સુરત: વરસાદી માહોલ વચ્ચે સુરતના માંડવી તાલુકાના મુજલાવ ગામ ખાતે વાવ્યા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બ્રિજ પર પાણી ફરી વળતા તેની ઉપરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. લો લેવલ બ્રિજ બારડોલી અને કામરેજ જવા માટેનો એક મુખ્ય અને આશીર્વાદરૂપ માર્ગ હતો. આ બ્રિજ બંધ થવાને કારણે સ્થાનિક લોકોને અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને 15 થી 20 કિલોમીટરનો વધુ ચકરાવો ફરવાની નોબત આવી છે. વરસાદનું જોર યથાવત રહે તો હજુ પણ અનેક નીચાણવાળા પુલો અને માર્ગો પાણીમાં ગરકાવ થવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સંજય ભાઈએ જણાવ્યું હતું કે, “સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે માંડવી તાલુકાની વાવ્યા ખાડી બે કાંઠે વહેતી થઈ છે. વાવ્યા ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે.”