ભાજપે એવું શાસન કર્યું કે કોમી હુલ્લડ કરવાવાળા ખો ભૂલી ગયા: શાહ

  • 2 years ago
ભારતના ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે રાતે અમદાવાદના નરોડામાં ભાજપની ચૂંટણી સભા સંબોધતા 'કોંગ્રેસનું કામ બોલે છે' ઉપર બરોબરના વરસ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ શાંતિની વાતો કરે છે પણ વર્ષો સુધી તેના શાસનમાં ગુજરાત કોમી રમખાણોથી પિંખાતું રહ્યું હતું. ભાજપે એવુ શાસન આપ્યુ કે કોમી હુલ્લડ કરવાવાળા ખો ભૂલી ગયા છે. રમખાણો કરવાની કોઇનામાં હિંમત રહી નથી.

ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યા વગર નરોડાની સભામાં શાહે કહ્યું કે વર્ષ 2002માં અટકચાળો કર્યો ત્યારે અહીં ભાજપની સરકાર હતી. અમારી સરકારે કાયદાનો સકંજો એવી કઠોરતાથી કસ્યો કે રમખાણો કરવાવાળાને સીધા દોર કરી દેવાયા. એકેય દિવસ કરફયુ નાંખવો પડ્યો નથી. બધા ગુજરાત છોડીને પલાયન કરી ગયા છે. શાંતિ અને સારી વ્યવસ્થા વગર વિકાસ ન લાવી શકાય.