દેશમાં ડ્રગ્સનો જથ્થો મળવાની ઘટનાઓમાં સતત વધારો, 200 કરોડનું હેરોઈન જપ્ત

  • 2 years ago
ગુજરાત ATSએ કલકત્તા પોર્ટ પરથી 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ દુબઈથી એક કન્ટેનરમાં કોલકત્તા આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી ગુજરાત ATS દ્વારા DRI સાથે મળીને કરી હતી. ગુજરાતના DGP આશિષ ભાટિયા પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત ATS અને DRIએ સાથે મળીને 'ઓપરેશન ગીયર બોક્સ' સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. દુબઈથી ડ્રગ્સ ભરીને નીકળેલું કન્ટેનર ફેબ્રુઆરી મહિનામાં કોલકત્તા પહોંચ્યું હતું. ગુજરાત ATS અને DRI દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં પંજાબ અને દિલ્હી પોલીસનું પણ સંકલન પ્રાપ્ત થયું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન હેરોઈન ડ્રગ્સના 72 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. જેનો કુલ વજન 40 કિલો અને કુલ કિંમત 200 કરોડ જેટલી થાય છે. ગુજરાતના DGP વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અને ATS ડ્રગ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. અને અન્ય રાજ્યોમાં જઇને પણ ડ્રગ્સ કબજે કરી રહી છે.