VIDEO : બે માળના જર્જરીત મકાનની ગેલેરી તૂટી

  • 2 years ago
સુરતમાં બુધવારે સાંજના સમયે વડા ચૌટા ખાતે નગર શેઠની પોલમાં આવેલા એક જૂના જર્જરીત મકાનના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અહીં રહેતી એક વૃદ્ધાને ફાયર બ્રિગેડની ટીમે સહી સલામત બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ વડા ચૌટા ખાતે નગર શેઠની પોલમાં બે માળનું જૂનુ જર્જરીત મકાન આવ્યું છે. બુધવારે સાંજે ચારેક વાગ્યાના અરસામાં મકાનના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડવા સાથે અહીં એક વૃદ્ધ મહિલા ફસાઈ હોવાનો કોલ ફાય૨ બ્રિગેડની ટીમને મળ્યો હતો. ત્યારબાદ મુગલીસરા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ થાળે પાડવા સાથે બીજા માળે ફસાયેલી વૃદ્ધાને બહાર કાઢી હતી. ફાયર ઓફિસર બળવંત રાજપુતએ જણાવ્યું હતું કે, મકાન કાચુ હોવા સાથે વર્ષો જૂનું હોવાથી આ ઘટના બની હોવાની શક્યતા છે. અહીં વૃદ્ધ મહિલા સિવાય બીજુ કોઈ રહેતું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. આ ઘટના અંગે પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.